કાલાવડ શહેરના ગોવિંદપરામાં રહેતા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રમેશભાઈ કરશનભાઈ દોંગા તથા તેમના ભાઈ હસમુખભાઈ પર સાતથી વધુ શખ્સોએ હુમલો કરી તેમને માર માર્યાની ઘટના સામે આવી છે. બંને ભાઈને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવે કાલાવડમાં ગહન પડઘો પાડ્યો છે.
આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
શું છે સમગ્ર બનાવ?
હસમુખભાઈ, જે ગઈકાલે બપોરે તેમના બાઈક પર નીકળ્યા હતા, ત્યારે અફઝલ કાદરી નામના શખ્સે અચાનક તેમનો માર્ગ અટકાવી, બાઈક સાથે ટકરાવી દીધું. અકસ્માત પછી અફઝલ કાદરીએ હસમુખભાઈને રૂપિયા 20,000 ચૂકવવાની માગ કરી. હસમુખભાઈએ શરૂઆતમાં 2-3 હજાર આપવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ અફઝલે આ રકમ નકારી, રૂ. 20 હજાર આપો નહીં તો તમારે ખેતરે જવાનો રસ્તો આ જ છે તેમ કહી અફઝલે ગાળો ભાંડી ધમકી આપી હતી.
પોલીસ ફરિયાદ દરમિયાન ફરી હુમલો
આ બનાવની જાણ કર્યા પછી, રમેશભાઈ અને હસમુખભાઈ બપોરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતાં હતા, ત્યારે પંજેતનનગર ખાતે અફઝલ કાદરી અને અન્ય છ શખ્સોએ તેમને રસ્તામાં જ અટકાવી દીધા. એ સ્થળે તેમના બાઈકને અડફેટે લેવાનો પ્રયત્ન કર્યો અને દોંગા ભાઈઓને ઢીકાપાટુથી બળજબરીપૂર્વક માર માર્યો. આ દરમિયાન રમેશભાઈના ખિસ્સામાંથી 2500 થી 3000 રૂપિયાની રકમ પણ ઝૂંટવી લેવામાં આવી.
આ મામલે રમેશભાઈએ મોડીરાત્રે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy