જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડાં થકી ભ્રસ્ટાચાર થતું હોવાનુ પુરવાર થયુ છે કેમકે, એક સર્વેમાં ખુલાસો થયો છેકે, સરકારી ગોડાઉનથી મોકલાયેલું સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતુ નથી. જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ હોવાનું બહાર આવ્યુ છે ત્યારે અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં કાળાબજારિયા બેલગામ હોવાનું પુરવાર થયુ છે તેનું કારણ એ છે કે, 43.02 ટકા ઘઉં-અનાજ બારોબાર સગેવગે થઇ જાય છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થાય છે કે, ગરીબોના મોઢામાંથી કોળિયો છિનવાઇ રહ્યો છે તેમ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે.
એક તરફ, લાખો ગરીબોને અનાજ આપીને સરકાર જાણે સિઘ્ધી મેળવી હોય તેવા દાવા કરી રહી છે જ્યારે બીજી તરફ, જાહેર વિતરણ વ્યવસ્થા થકી ઘૂમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે પરિણામે ગરીબોને તેમના હકનું અનાજ પણ મળતુ નથી. જાહેર વિતરણ વ્યવસ્થામાં જ એટલી બધી ખામીઓ છે જેના કારણે સરકારી ગોડાઉનથી મોકલાતો અનાજનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતો નથી.
સરકારી અનાજનો જથ્થો કાળાબજારમાં ન પહોંચે તે માટે જાહેર વિતરણની આખીય વ્યવસ્થા કમ્યુટરાઇઝ્ડ કરવામાં આવી છે તેમ છતાંય અનેક ક્ષતિઓ રહી ગઇ છે જેના કારણે કોઇને કોઇ બહાને કાળાબજારીયા ગરીબોના મોમોંથી કોળિયો છિનવી લેવામાં સફળ રહ્યાં છે. ઇકોનોમિક થીંન્ક ટેન્કના તારણ મુજબ, વર્ષે 28 ટકા અનાજ એટલે કે, 2 કરોડ ટન ઘઉં-ચોખા ક્યાં ગાયબ થઇ જાય છે તેની ખબર જ નથી. આ અનાજના જથ્થાની કિંમત રૂ.69 હજાર કરોડ થવા જાય છે.
કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે, જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા છે જેના કારણે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. હાઉસ હોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડીચર સર્વેના આંકડા મુજબ, ઓગષ્ટ,2022થી જુલાઇ-2023 સુધી 2 કરોડ ટન ઘઉં-ચોખા લાભાર્થીઓ સુધી પહોચ્યાં ન હતાં જે ગંભીર મુદ્દો છે. ડીજીટલ ટેકનોલોજી અપનાવ્યા પછી પણ જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચતુ નથી. આમ છતાંય સરકાર મૌન છે. જે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદઢ બનાવી મક્કમ પગલાં નહી ભરાય તો, કાળાબજારીયાઓને વધુ મોકળુ મેદાન મળશે જેનો ભોગ ગરીબ લાભાર્થી બનશે.