રાજકોટથી એક એસિડ એટેકની ઘટના સામે આવી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર સોખડા ગામે રહેતી એક યુવકની મંગેતર તેના પ્રેમી સાથે ભાગી જતા 22 જાન્યુઆરી ના રોજ યુવક તેને શોધવા યુવતીના ઘરે પહોંચ્ચી ગયો હતો. ત્યાં બબાલ કરી યુવકે પૂછ્યું કે તે ક્યાં છે? સહિતના સવાલો કરી ઉશ્કેરાઈને એસિડ તેના પર એટેક કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ કુવાડવા પોલીસ સમગ્ર મામલ BNSની કલમ 124(1), 133 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર સોખડા ગામ ખાતે ગઈકાલે રાત્રિના એસિડ એટેકની ઘટના સામે આવી છે. સોખડા ગામે રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સરવૈયા નામના યુવાનની સગાઇ તેના જ ગામમાં રહેતી યુવતી પારસબેન સાથે થઈ હતી. આ પછી યુવતી તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ જાણ યુવકને થતા આરોપી પ્રકાશ સરવૈયા તેની મંગેતરના ઘરે સ્ટીલની બોટલમાં એસિડ ભરીને પહોંચ્યો હતો.
આરોપી પ્રકાશ સરવૈયા મંગેતરના ઘરે પહોંચી મંગેતર પારસ ક્યાં છે? કોની સાથે છે? તમને ખબર છે? તેનું એડ્રેસ મને આપો. તમે બધું જાણો છો, છતાં મારાથી છુપાવી રહ્યા છો. મને જાણ કરો પારસ ક્યાં છે? તેમ કહી બબાલ કરી હતી. જે બાદ અચાનક ઉશ્કેરાઈને મંગેતરની પિતરાઈ બહેન વર્ષાબેન પર હાથમાં રહેલ સ્ટીલની બોટલ ખોલી એસિડ એટેક કર્યો હતો. આરોપી પ્રકાશ સરવૈયાએ એસિડ ઉડાવતા વર્ષાબેનને મોઢાના ભાગે, છાતીના ભાગે, સાથળના ભાગે તથા વાંસાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
એસિડ એટેક કરી આરોપી પ્રકાશ સરવૈયા નાસી છૂટતા ફરિયાદીની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે BNSની કલમ 124(1), 133 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પ્રકાશની સગાઇ પારસ સાથે ભોગ બનનાર વર્ષાબેન દ્વારા કરાવવામાં આવી હતી, જેથી તેનો ખાર રાખી તેના પર એસિડ હુમલો કરાયા હોવાનું સામે આવ્યું છે.