જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બ્લેક લીસ્ટેડ પેઢીને ચાલુ કામ કરવાની મંજૂરીનો ઠરાવ બહુમતીના જોરે પસાર કરવામાં આવતા અનેક તર્ક વીતર્કો સાથે સવાલો ઉઠી રહ્યા છે. ભાજપ શાસિત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સતાધારી પક્ષના ગણ્યા ગાંઠ્યા સભ્યોએ કામ ન થતાં લોક મુશ્કેલીના ઓઠા હેઠળ પેઢીની તરફેણ કરતા વિપક્ષના સભ્યો સાથે તડાફડી બોલી હતી. સવાલ અહી એ ઊભો થઈ રહ્યો છે કે, સરકારમાંથી હજુ કોઇ નિર્ણય આવ્યો ન હોય છતાં જિલ્લા પંચાયતની જનરલ બોર્ડમાં બ્લેક લીસ્ટેડ પેઢીને ચાલુ કામ કરવાનો વિવાદાસ્પદ ઠરાવ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારે પ્રમુખ મૈયબેન ગરચરના અધ્યક્ષસ્થાને ડીડીઓ તથા અન્ય સભ્યોની હાજરીમાં યોજાઈ હતી. ઉપસ્થિત રહેલા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાએ રાજય સરકારે જૂનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રક્શન નામની કોન્ટ્રાક્ટર પેઢીને બ્લેક લિસ્ટેડ કરી હોવા છતાં પેઢીને કામ ચાલુ કરવા દેવાનો મુદ્દો ઊઠાવ્યો હતો. જેમાં સત્તાધારી પક્ષના ભરત બોરસદિયાએ સૂર પુરાવ્યો હતો ત્યારે આ એજન્સીના જે કામો ચાલુ છે તે સમયમર્યાદામાં અને સારી ગુણવત્તાના થાય તે માટે તેને મંજુરી આપવાનો ઠરાવ કરવો જોઈએ. જો આ એજન્સીના કામો રદ કરીને રીટેન્ડરીંગ જેવી પ્રક્રિયા થાય તો વિલંબ થાય. તેમજ કોર્ટ મેટર થાય તો ઘણો લાંબો સમય નીકળી જાય, આ સ્થિતિમાં બિસ્માર માર્ગોના કામ ઝડપથી પૂર્ણ કરવા માટેનો હેતું છે. બંનેએ કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટર પેઢીના માણસો દ્વારા જિ.પં.ના ઈજનેર પર હુમલો કરવાની ઘટના નિંદનીય છે અને નબળા કામ અંગે પગલાં લેવા જ જોઈએ તેમજ ત્રણ વર્ષ માટે કોઈ નવો કોન્ટ્રાક્ટર ન આપવો જોઈએ, પણ અત્યારે વિવિધ ગ્રામ્ય વિસ્તારના લોકોને બિસ્માર માર્ગો અંગે પડી રહેલી હાલાકીને ધ્યાને લઈને આ એજન્સીએ કામો પૂરા કરી દેવા જોઈએ. તેની સામે બાંધકામ વિભાગના અધિકારી કૌશલભાઈ છૈયાએ સરકારના આદેશનું ચૂસ્ત પાલન કરવાનો આગ્રહ રાખ્યો હતો.
ધ્રોલ તાલુકાના ઈંટાળા ગામે બનેલી ઘટનાના પગલે રાજ્ય સરકારે જે કોન્ટ્રાક્ટર પેઢીને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટેડ કરી, તે સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીને જામનગર જિલ્લા પંચાયત હસ્તકના કામો પૂર્ણ કરાવી બચાવવા માટે જિ.પં.ના વગદાર સભ્યો દ્વારા ભારે દોડધામ અને ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી એડીચોટીનું જોર લગાવ્યું હતું. આટલું જ નહીં આ એજન્સીના કામ ચાલુ રાખવા ગણ્યા ગાંઠ્યા સભ્યોએ યેનકેન પ્રકારે કરેલા સેટીંગને સફળતા મળતા જિ.પં.ના અધિકારીઓમાં ભારે રોષ સાથે નારાજગી ફેલાઇ છે.
જિ.પં.ની સામાન્ય સભામાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, સભ્ય ભરતભાઈ બોરસદિયા તથા લખધીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બ્લેક લિસ્ટેડ કંપની અંગે સરકારનો નિર્ણય ભલે ન આવ્યો પણ આ અંગે નિર્ણય કરવાની સત્તા અપણને અર્થાત્ જિ.પં. બોર્ડને છેે. આથી આપણે નિર્ણય કરવાનો છે. રાજ્ય સરકારના આદેશના અર્થઘટન અધિારીઓએ અલગ-અલગ કરે છે. અમારે અમારા વિસ્તારમાં લોકો સમક્ષ જઈ ન શકીએ તેટલી હદે રસ્તા ખરાબ થઈ ગયા છે. તેથી અમે ઝડપથી કામ પૂરા કરવા જરૂરી છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy