ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે વાવ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ નથી, પરંતુ આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેને લઈને હવે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેનું ગઠબંધન તૂટશે અને વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે તેવી શક્યતાઓ છે.
ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા છે
વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ થવાની પૂર્ણ શક્યતા છે. કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અહીં પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે. વાવ બેઠક પર દર વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર ઉતારશે. ડૉ. રમેશ પટેલને AAP વાવ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બનાવે તેવી ચર્ચા છે. આપના પ્રદેશ નેતાએ કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને મહત્ત્વપૂર્ણ વાત કરી છે. આપ નેતાએ જણાવ્યું છે કે, ‘લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે અમારું સંપૂર્ણ સમર્થન હતું. પરંતુ લોકસભા ચૂંટણી એ અલગ મુદ્દો અને કારણ હતું. તે સમયે ભાજપ અને નરેન્દ્ર મોદી સામે એક થઈને લડવાની જરૂર હતી. દેશનો સવાલ હતો, લોકશાહી અને બંધારણ બચાવવાનો સવાલ હતો એટલે ચોક્કસપણે અમે કોંગ્રેસ સાથે હતા. જોકે, હવે રાજ્યની વાત આવતી હોય ત્યારે દરેક પાર્ટીની પોતાની રણનીતિ હોય છે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. આ પેટાચૂંટણીમાં ગઠબંધનની વાત નથી. અમે એકલા હાથે વાવ વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છીએ.
ભાજપ દ્વારા આવતીકાલે સવારે 11 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
ભાજપ દ્વારા વાવ બેઠક માટે ત્રણ નિરીક્ષક અને પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને આગામી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વાવ બેઠક માટે 3 નિરીક્ષકની નિમણૂક કરાઈ છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જનક પટેલ (બગદાણા), અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા અને પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આવતીકાલે સવારે 11 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.
કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા
વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી.ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે. તો ભાજપમાંથી વાવ બેઠક પર મુકેશ ઠાકોર, શૈલેષ ચૌધરી, સ્વરૂપજી ઠાકોર, કરશનજી ઠાકોર, લાલજી પેટલ, રજની પેટલ અને ગજેન્દ્રસિંહ રાણાના નામની ચર્ચા છે.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ
લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જોકે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નહીં હોય તો આ બેઠક પર રસાકસી રહેશે
વાવ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ અને જાતિવાદી ગણિત કામ કરી જાય છે. આ પેટાચૂંટણીમાં પણ આ જાતિવાદી ગણિતનું રાજકારણ થાય તેવી સંભાવના છે. જોકે બીજી તરફ, ભાજપ દ્વારા પણ આ કોંગ્રેસને હરાવી વાવ બેઠક કબજે કરવા માટે બને તેટલું જોર લગાવવામાં આવશે તે નક્કી છે. બીજી તરફ, આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નહીં હોય તો આ બેઠક પર રસાકસી રહેશે એ ફાઈનલ છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy