હમાસ અને ઈરાન સામેના યુધ્ધના કારણે ઈઝરાયલમાં કામદારોની તંગી સર્જાતાં ભારતમાંથી હજારો કામદારોને ઈઝરાયલ મોકલાઈ રહ્યા છે પણ તેમની સુરક્ષા કે વિમા અંગે કેન્દ્ર સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી, તેની આકરી ટીકા થઈ રહી છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂ સાથેના સબંધો સાચવવા માટે કેન્દ્ર સરકાર હજારો ભારતીયોને મોતના મુખમાં ધકેલી રહી છે. ભારતીયોને કન્સ્ટ્રક્શન અને ખેતીને લગતાં કામોના બહાને ઈઝરાયલ બોલાવીને યુધ્ધમાં મોકલાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ પહેલાં રશિયા ગયેલા ભારતીયોને યુક્રેન અને રશિયાના યુદ્ધમાં મોરચા પર મોકલી દેવાયા હતા એવા આક્ષેપ થયા હતા.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તે ભારતીય યુવાનોને કામદાર તરીકે ઇઝરાયેલ મોકલી રહી છે. ઇઝરાયેલ અત્યારે ચોતરફ યુદ્ધથી ઘેરાયેલુ હોવા છતાં પણ મોદી સરકાર યુવાનોને ત્યાં મોકલીને તેમના જીવ જોખમમાં મૂકી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે ૧૫ હજાર કામદારો ઇઝરાયેલ મોકલ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તે વાત આંચકાજનક છે કે ઇઝરાયેલ બધા મોરચે યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ૧૫ હજારથી વધારે ભારતીય યુવાનોની ઇઝરાયેલ માટે ભરતી કરી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધ વચ્ચે ભારતીય યુવાનોને ત્યાં મોકલવા તે ભયાનક બાબત છે.
તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ ભારતીય કામદારોને રશિયા મોકલવાનો વિવાદ સામે આવ્યો છે. હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યુ છે ત્યારે કેટલાય ભારતીય યુવાનોને તેમા બળજબરીથી જોતરી દેવામાં આવ્યા હતા. આ બધુ એજન્ટોએ કર્યુ હતુ. કેટલાકે તો તેમા જીવ પણ ગુમાવ્યો છે.
આ બતાવે છે કે દેશમાં બેરોજગારીના મોરચે કેવી સ્થિતિ છે. બેરોજગારીની આ કટોકટી મોદી સરકારની યુવા વિરોધી નીતિઓના લીધે સર્જાઈ છે. ખરગેએ જણાવ્યું હતું કે મોદી સરકારની રોજગાર સર્જનમાં નિષ્ફળતાના લીધે યુવાન ભારતીયોએ જોખમી વિસ્તારોમાં કામ માટે જવું પડે છે.
તેમણે ઉમેર્યું હતું કે આજે હકીકત એ છે કે યુવાન, કૌશલ્યવિહીન, સેમી-સ્કિલ્ડ અને શિક્ષિત યુવાન ઊંચા વેતન માટે તેમના જીવનને યુદ્ધગ્રસ્ત ઝોનમાં જોખમમાં મૂકી રહ્યો છે. આ બીજું કશું જ નહીં સરકારની નિષ્ફળતા છે.
હાલમાં ઈઝરાયલમાં દસ હજારથી વધારે ભારતીય કામદારો કામ કરી રહ્યા છે અને એક વર્ષમાં લગભગ ૧ લાખ જેટલા ભારતીયો ઈઝરાયલ જશે એવું કહેવાય છે. હમાસ અને હિઝબોલ્લાહ સહિતનાં આતંકવાદી સંગઠનો ઈઝરાયલ પર સતત હુમલા કરી રહ્યાં છે. ઈરાને પણ ઈઝરાયલ પર મિસાઈલમારો કરતાં સ્થિતી સ્ફોટક બની ગઈ છે અને ગમે ત્યારે મોટું યુધ્ધ ફાટી નિકળવાના અણસાર છે. આ હુમલાથી પોતાના નાગરિકોને બચાવવા માટે ઈઝરાયલ મોટા પ્રમાણમાં બંકરો બનાવી રહ્યું છે. ભારતીય કામદારોનો ઉપયોગ આ બંકરો બનાવવા માટે કરાઈ રહ્યો છે. આતંકવાદીઓ બંકરો બને એ પહેલાં જ તેમનો નાશ કરવા રોકેટમારો કરી રહ્યા છે તેથી ભારતીય કામદારો પર મોટો ખતરો છે. આ ઉપરાંત ભારતીય કામદારોને ખુલ્લાં ખેતરોમાં કામ કરાવાઈ રહ્યું છે. તેમના પર તો વધારે મોટો ખતરો છે.
ભારત સરકારના નેશનલ સ્કીલ ડેલવપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી)ના માધ્યમથી ભારતીય કામદારોને ઈઝરાયલ મોકલાઈ રહ્યા છે. તાજેતરમાં જ એનએસડીસીએ ૧૫ હજાર કન્સ્ટ્રક્શન વર્કર્સને ઈઝરાયલ મોકલ્યા હોવાનું કહેવાય છે. આ પૈકી મોટા ભાગના કામદારો ઉત્તર પ્રદેશ સહિતનાં ઉત્તર ભારતનાં રાજ્યોના છે. ઈઝરાયલમાં યુધ્ધનો માહોલ હોવાથી ભારતીય કામદારો જાનના જોખમે કામ કરી રહ્યા છે. મોદી સરકાર આ કામદારોની સુરક્ષા અંગે ઈઝરાયલની સરકાર સાથે સ્પષ્ટતા કરવાના બદલે ઈઝરાયલના કહેવાથી કામદારોને વિમાનમાં બેસાડીને ઈઝરાયલ ધકેલી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ કામદારોને જીવન વિમા સહિતનું કોઈ સામાજિક સુરક્ષા કવચ પણ નથી અપાતું. તેના કારણે કોઈ કામદાર ગુજરી જાય તો તેનો પરિવાર નોંધારો થઈ જાય એવી હાલત છે.
હવે જોવાનું એ રહ્યુબકે ખરેખર ખડગે ના દાવા માં કેટલી સત્યતા છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy