અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયું હતું, જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. લેટરમાં રેતી, દારૂ જેવા ગેરકાયદે પ્રવૃત્તિમાં હપ્તા કૌશિક વેકરિયા દ્વારા લેવામાં આવતા હોવાના ગંભીર સનસનીખેજ આરોપ લગાવાયા હતા, જેથી અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. અમરેલી પંથકના 100 જેટલા આગેવાનો કૌશિક વેકરિયાના સમર્થકો સમગ્ર ઘટનાને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ગાંધીનગર સુધી પહોંચાડી રજૂઆતો કરવામાં આવી હતી. અને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં પોલીસે 28મી ડિસેમ્બરે તાલુકા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા, પાયલબેન ગોટીની ધરપકડ કરી હતી અને આ ચારેય આરોપીને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપપ્રમુખની ઓફિસ પર 29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન ના નામે સરઘસ કાઢયું હતું.
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિરુદ્ધમાં લખાયેલા લેટર મુદ્દે 1લી જાન્યુઆરીએ પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીના લેટર બાદ હવે પરેશ ધાનાણીની એન્ટ્રી થતાં રાજકારણ વધુ ગરમાયું છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને આક્રોશ ઠાલવતાં લખ્યું છે કે, ‘કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો, સમાજ ક્યારેય માફ નહી કરે’ તો બીજી તરફ ગઇકાલે અમરેલીમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયા, મનોજ પનારા અને ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના આગેવાનોએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરીયા અને ફરિયાદી કિશોર કાનપરીયા સાથે બેઠક કરી હતી. જેમાં પટેલ સમાજની યુવતી સામેની ફરિયાદ પાછી ખેચવાની ચર્ચાઓ કરાયા બાદ એસ.પી. ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, લાજ લેનારા સામે લડીશું. કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..!
તો બીજી બાજુ ખોડલધામ ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, બોગસ પત્રિકા મામલે પટેલ સમાજની દીકરી પાયલ ગોટીનો જે બનાવ બન્યો એ અંગે આજે બેઠક કરવામાં આવી છે. દીકરીને તાત્કાલિક મુક્તિ મળે અને ફરિયાદમાંથી નામ નીકળે એ માટે ગૃહવિભાગ અને સરકાર સુધી વાત પહોંચાડી છે. ફરિયાદી પક્ષે જે લોકો છે એ લોકોએ અને કૌશિકભાઈ વેકરીયાએ આ વાત સ્વીકારી છે. ભવિષ્યમાં ફરીવાર આવો બનાવ ન બને અને આ વિવાદનો સુખદ અંત આવે તે માટે ફરિયાદ ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે.
દિનેશ બાભણીયાએ જણાવ્યું કે, કાલે 5 વાગ્યે કોર્ટમાં હેયરિંગ રાખવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા એફિડેવિટ સાથે, આ દિકરી પણ કોઈ ગુનો બનતો નથી તેવી એફિડેવિટ કરી પોલીસ પંચનામું રજુ કરવામાં આવ્યું હતું. નામદાર જજ સાહેબે આના પર હિયરિંગ રાખેલ હતું.