દ્વારકા : ભારત તથા સમગ્ર વિશ્વનું સુપ્રસિદ્ધ અને સૌથી પ્રાચીન યાત્રાધામ દ્વારકામાં વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે દક્ષિણ ભારતીય બિનસરકારી સંસ્થા દ્વારા પ્રાચીન દ્વારકા કે જે જગ્યાએ દ્વારિકા નગરી સમુદ્રમાં ગરક થયેલી છે તે નજીકના પંચકુઈ બીચ ખાતે વર્લ્ડ સન્કન સિટી ડેની વેબસાઇટ લૉન્ચ કરાઈ છે. સંસ્થાના જનરલ સેક્રેટરી રવીન્દ્રજિથ તથા સ્કૂબા ડાઇવર કિરીટભાઈ વેગડે શુક્રવારે પંચકૂઈ બીચ પર વેબસાઈટ લોન્ચ કરી છે, અને 21 ડિસેમ્બરે યોજાનારા મેગા ઇવેન્ટનો પ્રારંભ કર્યો હતો. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્કૂબા ડાઇવિંગ કરીને દરિયાના પેટાળમાં આ જ સ્થળે ડૂબેલી દ્વારકાના અવશેષો જોયા હતા.
બેઠકમાં ઉપસ્થિત મહેમાનોને વિશ્વમાં ડૂબી ગયેલી 15 નગરી વિશે માહિતી પૂરી પડાઈ હતી. તે પ્રમાણે વિશ્વભરમાં ડૂબી ગયેલી 15 નગરીમાં ગુજરાતના દ્વારકા ઉપરાંત જમૈકાનું પોર્ટ રોયલ, ગ્વાટેમાલાનું સામાબાજ, બોલિવિયાનું વાનાકુ, યુનાઈટેડ કિંગડમનું ડનવીચ, ઇટાલીનું બાલાઈ, ટ્યુનિશિયાનું નેપોલીસ, ગ્રીસનું હેલીક તથા પાવલોપેટ્રી, હેરાક્લોઈન અને એલેક્ઝાન્ડ્રાનું કનોપસ થોનીસ, યમનનું એટલીટ, રશિયાનું ફાનાગોઈયા, ભારતનું મહાબલીપુરમ્, ચીનનું ક્યુનાડેવ લેક તથા જાપાનના યોનાગુનો સમાવેશ થાય છે. આ તમામ 15 શહેરોમાં સૌથી પ્રાચીન દ્વારકાને માનવામાં આવે છે.
સેક્રેટરી રવીન્દ્રજિથના જણાવ્યાનુસાર સંસ્થા જય દ્વારકા મિશન પણ ચલાવશે. તેમાં દુનિયાભરમાં ડૂબી ગયેલાં શહેરોમાં દ્વારકા નગરી સૌથી પ્રાચીન હોવાથી પ્રાચીન દ્વારકાના ઉત્ખનન, જાળવણી વગેરેના સરકારના કાર્ય માં સહભાગી બનશે.
21 ડિસેમ્બરે પંચકુઈ બીચ પર જય દ્વારકાની થીમ સાથે યોજાનારા મેગા ઇવેન્ટમાં સમુદ્રમાં 700 લોકો દ્વારા ગોળાકાર શેપમાં 7 ભાગમાં વહેંચાયેલો અને શ્રીકૃષ્ણના પ્રતીક સમા મોરપિંછ આકારનો ફ્લોટિંગ લોગો બનાવાશે.
જે જગ્યાએ ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે ત્યાં દરિયામાં 700 લોકો વિશ્વનો સૌથી મોટો હ્યુમન ફ્લોટિંગ બનાવવા પ્રયાસ કરશે. વિશ્વભરમાં ડૂબી ગયેલાં શહેરોના સંરક્ષણની થીમ સાથે 460 લોકોના રેકોર્ડને તોડી કુલ 700 લોકો સાથે વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ લોગો ઇમેજનો રેકોર્ડ રચવા માટે પ્રયાસ થશે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy