ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો. ઈઝરાયલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ઈરાનના સૈન્ય મથકો સહિત તેહરાન અને આસપાસના શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના સ્થાનિક મીડિયા અનુસાર ઈઝરાયલની સેનાએ ઈરાન પર હુમલો કરવા માટે 100થી વધુ ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. ઈઝરાયલની આ કાર્યવાહીને ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાના જવાબ તરીકે જોવામાં આવી રહી છે.
ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે 25 દિવસ બાદ જવાબી કાર્યવાહી કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઈઝરાયલે 3 કલાકમાં 20 ઈરાનના ટાર્ગેટ પર હુમલો કર્યો. હુમલો સવારે 2:15 શરૂ થયો હતો. 5 વાગ્યા સુધી હુમલા ચાલુ રહ્યા. જેમાં મિસાઈલ ફેક્ટરીઓ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઈરાન પર 2.30 (સ્થાનિક સમય) પર હુમલાની જાણકારી આપી હતી. IDF પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઈઝરાયલ 1 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઈરાન પર હુમલો કરી રહ્યું છે. હગારીએ કહ્યું કે ઈરાન અને મધ્ય પૂર્વમાં તેના સહયોગી 7 ઓક્ટોબર, 2023થી ઈઝરાયલ પર 7 મોરચે હુમલો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈઝરાયલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમે ઇઝરાયલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.
ઈરાની મીડિયાના અહેવાલ મુજબ આ હુમલા તેહરાનના ઈમામ ખોમેની ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે થયા હતા. એર સ્ટ્રાઈક બાદ અમેરિકાએ ઈઝરાયલનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ ઈરાનના હુમલાનો જવાબ છે.
ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર શનિવારના હુમલામાં 100 થી વધુ ઈઝરાયેલી લડાકૂ વિમાનોએ ભાગ લીધો હતો. 2000 કિમી દૂરથી કરવામાં આવેલા આ હુમલામાં F-35 ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર હુમલા પહેલા અમેરિકાને જાણ કરવામાં આવી હતી પરંતુ તે ઓપરેશનમાં સામેલ નહોતું.
ઈઝરાયલી મીડિયા અનુસાર એક ઈઝરાયલી અધિકારીએ કહ્યું કે ઈઝરાયલે ઈરાની પરમાણુ સ્થળો અથવા તેલ ક્ષેત્રો પર કોઈ હુમલા નથી કર્યા. તેનું ધ્યાન લશ્કરી ઉદ્દેશ્યો પર છે. ઈઝરાયલની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે તેઓ સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવી રહ્યા છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy