ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ અને ઘર્ષણ વધી રહ્યું છે. બંને દેશ હવે આમને-સામને થઈ ગયા છે. ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી છે અને ધમકી આપી દીધી છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. દરમિયાન G7 દેશોએ બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે અમેરિકા ઈઝરાયેલને સમર્થન આપી રહ્યું છે, પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે.
અહેવાલ અનુસાર, બાઈડેને કહ્યું કે ઈરાન દ્વારા કરાયેલા બેલિસ્ટિક મિસાઇલ હુમલાના જવાબમાં ઇરાનની પરમાણુ સાઇટ્સ પર ઇઝરાયેલના કોઈપણ હુમલાને સમર્થન નહીં આપીએ અને ઇઝરાયેલને તેના દુશ્મન સામે પ્રમાણસર કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ. ઈરાને ઈઝરાયેલ પર 180થી વધુ મિસાઈલો ઝિંક્યાના એક દિવસ બાદ બાઈડેને આ વાત કરી છે.
૧ તારીખે રાત્રે ઈઝરાયલમાં જેરૂસલેમથી લઈને જોર્ડન વેલી સુધીના વિસ્તારો બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યા. ઈરાને એકાએક 180 જેટલી મિસાઈલોનો મારો ઈઝરાયલ પર કર્યો અને કહ્યું કે, આ હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો પહેલો બદલો છે. સામે ઈઝરાયલે પણ કહી દીધું કે, ઈરાને આ ભૂલ કરી છે. તેને પરિણામ ભોગવવું પડશે.