સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિરોધી પાર્ટીઓએ જે પ્રકારે અદાણી અને મણિપુર હિંસા જેવા મુદ્દા પર ચર્ચાની માગ કરી છે, તેના પરથી કહી શકાય કે શિયાળુ સત્રમાં હોબાળો જરૂર થશે. સરકારે પણ સત્ર દરમિયાન વક્ફ સંશોધન, એક રાષ્ટ્ર-એક ચૂંટણી જેવા આશરે 16 ખરડા લાવવાનો સંકેત આપી દીધો છે. જેમાં વક્ફ સંશોધન અને એક રાષ્ટ્ર-એક ચૂંટણીને લઈને પહેલાંથી જ પ્રમુખ વિપક્ષી પાર્ટીઓ સાથે સંઘર્ષ થઈ રહ્યો છે.
હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ બાદ, સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ રાજ્યોના ચૂંટણી પરિણામોની અસર પણ સત્રમાં જોવા મળશે. સંસદ સત્રના સુચારૂ સંચાલન માટે રવિવારે મળેલી સર્વપક્ષીય બેઠકમાં સત્રની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, સરકારે સત્ર માટે લગભગ 16 બિલોને સૂચિબદ્ધ કર્યા છે. જેમાં વકફ સંશોધન બિલ અને પંજાબ કોર્ટ સંશોધન બિલનો સમાવેશ થાય છે. આ સાથે સત્ર દરમિયાન એક રાષ્ટ્ર-એક ચૂંટણી સંબંધિત બિલ પણ લાવી શકાય છે. આ અંગે સરકાર પહેલેથી જ સંકેત આપી ચૂકી છે.
રિજિજુએ કહ્યું કે, સરકાર નિયમો અનુસાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. તે નથી ઈચ્છતી કે ગૃહનો સમય જરાય વેડફાય. આ દરમિયાન, વકફ સુધારા સંશોધન પર જગદંબિકા પાલના નેતૃત્વમાં રચાયેલ જેપીસી પણ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે પોતાનો રિપોર્ટ સોંપશે.
જો કે, વિપક્ષે જેપીસીને આપવામાં આવેલા સમયને વધુ લંબાવવાની માંગ કરી છે. વિપક્ષી દળોએ પણ સત્ર દરમિયાન સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી હતી. લોકસભામાં વિરોધપક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ અદાણી સામેના લાંચના આરોપો અંગે સરકારને ચર્ચા કરવાની આગવી માગણી કરી હતી. તેમણે મણિપુર હિંસા, ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણથી સર્જાયેલી ખતરનાક સ્થિતિ અને રેલવે અકસ્માતો પર પણ ચર્ચાની માંગ કરી હતી.
સત્ર સાથે જોડાયેલી 10 બાબતો
- વિપક્ષની રણનીતિ નક્કી કરવા માટે ઈન્ડિયા ગઠબંધનના નેતા સંસદ ભવનમાં બેઠક કરશે.
- સંસદના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે, અમે મણિપુરનો મુદ્દો ઉઠાવવાનું કહ્યું છે. મણિપુરમાં ઘણી હત્યાઓ થઈ રહી છે અને મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા નથી. દેશમાં બેરોજગારી છે તેમજ મને એ વાતની પણ ચિંતા છે કે ઉત્તર ભારતમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
- જોકે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પોતાની કારમી હાર બાદ વિપક્ષ નબળું પડવાની ધારણા છે.
- રવિવારે, સરકારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં તમામ રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક કરી હતી.
- સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સંસદના બંને ગૃહોની સુચારૂ કામગીરી માટે તમામ પક્ષના નેતાઓ પાસેથી સહકાર અને સમર્થનની વિનંતી કરી છે, એવું તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું.
- શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલવાની ધારણા છે. આ સત્રમાં જે બિલો પર ચર્ચા થવાની સંભાવના છે તેમાં વકફ સુધારા બિલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ (સુધારા) બિલનો સમાવેશ થાય છે.
- બેન્કિંગ કાયદા (સુધારા) બિલ અને રેલવે એક્ટ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે છે. રેલવે એક્ટમાં સુધારો કરવા માટે પણ એક બિલ પણ રજૂ કરવામાં આવશે.
- એવી પણ અટકળો છે કે સરકાર આ સત્રમાં ‘એક રાષ્ટ્ર-એક ચૂંટણી’ બિલ રજૂ કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ યોજના પર કામ કરી રહી છે.
- બેન્કિંગ કાયદા સંશોધન બિલ ભારતીય રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા એક્ટ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા એક્ટ અને બેન્કિંગ કંપની એક્ટમાં વધુ સુધારો કરશે.
- એરક્રાફ્ટની ડિઝાઇન, ઉત્પાદન, જાળવણી, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, નિકાસ અને આયાતના નિયમન અને નિયંત્રણની જોગવાઈ કરવા માટે ભારતીય એરક્રાફ્ટ લેજિસ્લેશન, 2024 બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy